પ્રાચીનકાળથી સમયને ચાર યુગ (ક્રેતા/સત, ત્રેતા, દ્વાપર અને કલી)માં માપવામાં આવે છે, અહીં ક્રેતા એટલે સ્વર્ણ, ત્રેતા એટલે રજત, દ્વાપર એટલે તામ્ર અને કલી એટલે લોહયુગ થાય છે. સ્વતંત્રતા બાદ તિથિઓ અને નક્ષત્રોના આધારે સમયની ગણતરીથી મૂંઝવણ ઉભી થતી હોવાથી દેશમાં કાયદાકીય કાર્યોમાં સમાનતાનો અભાવ જોવા મળતો હતો. જેના નિવારણ માટે શક સંવત કેલેન્ડરનો રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે સ્વીકાર કરાયો.
ગુજરાતમાં અલગ-અલગ કાળમાં કેલેન્ડરના વિવિધ પ્રકારો જાણીતા થયા, જે નીચે મુજબ છે.
વિક્રમ સંવત
વિક્રમ સંવતની શરૂઆત ઈ.સ. પૂર્વે 56માં થઈ હતી. આ યુગની શરૂઆત ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા શક શાસકો પર પોતાની વિજયની યાદગીરી રૂપે કરવામાં આવી, તેને 'માળવા ગણયુગ' નામથી પણ ઓળખવામાં આવે છે.
વિક્રમ સંવતનો પ્રથમ મહિનો 'કારતક સુદ એકમ'થી શરૂ થાય છે. જેને નવા વર્ષ (પડવો) તરીકે ઉજવવામાં આવે છે. અંતિમ માસ આસો છે. આ સંવત ઈ.પૂ. 56માં શરૂ થાય છે, આથી વર્તમાન વર્ષને ઈસવીસનમાં ફેરવવા માટે એમાંથી એના પહેલા સાડા નવ મહિના માટે (પોષના મધ્ય સુધી) 56 અને વર્ષના બાકીના ભાગ માટે 55 બાદ કરવા પડે છે. ગુજરાત સરકાર દ્વારા વિક્રમ સંવતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
શક સંવત
શક સંવતની શરૂઆત ઈ.સ. વર્ષ 78માં કુષાણ વંશના શાસક કનિષ્ક દ્વારા કરવામાં આવી હતી. કનિષ્ક દ્વારા શક—ક્ષત્રપ વંશનો અંત કરવામાં આવ્યો, આથી શક સંવતની શરૂઆત થઈ. દક્ષિણ ભારતમાં આ સંવત 'શાલિવાહન શકાબ્દ' તરીકે જાણીતો છે.
આ કેલેન્ડર હિન્દુ ધર્મનાં ધાર્મિક મહત્વના દિવસોની ગણતરીમાં ઉપયોગી છે. શક કેલેન્ડર ચૈત્ર મહિનાથી શરૂ થાય છે. ચૈત્ર મહિનાના પ્રથમ દિવસને ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે. શક સંવતનો અંતિમ માસ ફાગણ છે.
ભારતના રાષ્ટ્રીય પંચાગ તરીકે શક સંવતને 22 માર્ચ, 1957થી સ્વીકાર કરવામાં આવ્યો છે. શક વર્ષમાં સામાન્ય રીતે 365 દિવસો તેમજ લીપ વર્ષમાં 366 દિવસો હોય છે. સામાન્ય રીતે શક કેલેન્ડરની શરૂઆત લીપ વર્ષમાં 21 માર્ચથી તેમજ સામાન્ય વર્ષોમાં 22 માર્ચથી થાય છે.
ભારતીય પંચાગ મુજબ મહિનામાં શુકલ પક્ષ / અજવાળિયું (સુદ) અને કૃષ્ણ પક્ષ / અંધારિયું (વદ) હોય છે. આમ, સુદના 15 દિવસ અને વદના 15 દિવસ હોય છે. કોઈપણ મહિનાની શરૂઆત સુદ એકમથી થાય છે અને 15 દિવસ પછી અંત પુનમથી થાય છે. ત્યારબાદ બીજા 15 દિવસ માટે વદ એકમથી શરૂઆત થાય છે અને સંપૂર્ણ મહિનાનો અંત અમાસથી થાય છે. સમગ્ર 24 કલાક દરમિયાન આઠ ચોઘડિયા હોય છે. એક ચોઘિડયું 24 કલાકમાં બે વાર આવે છે. એટલે કે દિવસના એક ચોઘડિયાનો સમય દોઢ કલાકનો અને રાત્રિના એક ચોઘડિયાનો સમયનો દોઢ કલાકનો હોય છે. દિવસનું ચોઘડિયું સૂર્યના ઉદયથી અસ્ત સુધીનું ગણાશે અને રાત્રિનું ચોઘડિયું સૂર્યના અસ્તથી ઉદય સુધીનું ગણાશે.
સિંહ સંવત
સૌરાષ્ટ્રના કેટલાક અભિલેખોમાં સોલંકી રાજાઓના સિંહ સંવતના નામે સંવત પ્રયોજાયો છે. સિંહ સંવતનો આરંભ વિક્રમ સંવત 1170, વલભી સંવત 779 અને ઈ.સ. 1113-14માં થયો હોવાનું જણાય છે. તે સમયે ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહનું શાસન પ્રર્વતતું હતું.
ઈતિહાસવિદ્દો આ સંવતનો પ્રારંભ સિદ્ધરાજ જયસિંહે સૌરાષ્ટ્ર પર પ્રાપ્ત કરેલા વિજયની સ્મૃતિમાં કરાવ્યો હોવાનું માને છે.
ગુપ્ત વલભી સંવત
મૈત્રકકાળના સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયેલા કેટલાક અભિલેખોમાં મૈત્રક વંશની રાજધાની વલભીના નામથી 'વલભી સંવત' નામના સંવતનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ અભિલેખો પરથી ગુપ્ત અને વલભી સંવત બંનેનો આરંભ એક જ વર્ષે થયો હોવાની માહિતી મળે છે.
કથિક સંવત
અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા દેવની મોરી ગામ પાસે એક બૌદ્ધસ્તૂપ મળી આવ્યો હતો, આ જગ્યાએ ઉત્ખનન કરતાં પ્રાપ્ત થયેલ પથ્થરના એક દાબડા (કાસ્કેટ) ઉપર 'રાજા રુદ્રસેનના રાજ્યકાળ દરમિયાન કથિક રાજાઓના 127મા વર્ષે એવો ઉલ્લેખ છે', જે કથિક સંવતનું સૂચન કરે છે.
માલવગણ સંવત
જૈન અનુશ્રુતિઓમાંથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ઉજ્જૈનના કાલકાચાર્ય અને અન્ય જૈન સંઘોની વિનંતીથી શક રાજાઓને ઉજ્જૈનના ગર્દભિલ વંશના રાજા દર્પણે હરાવ્યો હતો. આ સમયે લાટના રાજા બલમિત્રએ નવી સ્થાપિત થયેલ શક સત્તાને હરાવી પોતાની સત્તા સ્થાપી હતી. આ ઘટનાની યાદગીરીમાં ગુજરાતમાં 'માલવગણ સંવત'ની શરૂઆત કરવામાં આવી હતી. માલવગણ સંવતની શરૂઆત ઈ.સ. પૂર્વે 57માં થઈ હોવાનું મનાય છે.
અન્ય જૈન અનુશ્રુતિ મુજબ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યે શકો પરના વિજયની ઉજવણીના ભાગરૂપે માલવગણ સંવત શરૂઆત કરી હતી.
કલ્ચૂરી સંવત
ડો. ભગવાનલાલ ઈન્દ્રજીના મત પ્રમાણે આ સંવત ગુજરાતમાં આભીરોએ શરૂ કર્યો હતો. ડો. ફલીટે આ સંવત આભીર રાજા ઈશ્વરસેને શરૂ કર્યું હોવાનું સૂચન કર્યુ હતું. દક્ષિણ ગુજરાતના ત્રૈકૂટક રાજાઓના દાન શાસનમાં ઉલ્લેખ કરવામાં આવેલ સંવત, કલ્ચરી સંવત હોવાનું માનવામાં આવે છે. આ સંવત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના નિકતવર્તી ક્ષેત્રોમાં 'ચેદિસંવત' તરીકે ઓળખાયો. સંવતનો આરંભ ઈ.સ. 244-45ના અરસામાં થયો હોવાનું ડો. ભગવાનલાલ ઈન્દ્રજી તેમના તુલનાત્મક અભ્યાસથી જણાવે છે.
દીને ઇલાહી સંવત
ઈલાહી સંવતની શરૂઆત બાદશાહ અકબરે કરી હતી. આ સંવતમાં વર્ષો સૂર્યની ગતિ પ્રમાણે ગણાતા. અબ્દુલ કાદિર બદાયૂનીએ પોતાની કૃતિ 'मूंतखबुटवारीख' (મુન્નખાબ–ઉત–ત્વારીખ)માં આ સંવતનો ઉલ્લેખ કર્યો છે, મહિનાઓના નામ જરદોસ્થી મહિના પ્રમાણે રખાતા.
હિજરી સંવત
હિજરી શબ્દ મૂળ અરબી શબ્દ હિજરત પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ 'સ્થળાંતર' થાય છે. ઈ.સ. 622 માં ઈસ્લામના અંતિમ પૈગમ્બર મોહમ્મદ સાહબે 52 વર્ષની ઉંમરે મક્કા શહેરથી મદીના શહેરમાં હિજરત કરી હતી. આ યાદગીરીમાં હિજરી સંવતની શરૂઆત થઈ હતી.
આ કેલેન્ડરમાં 354 દિવસવાળા ચંદ્ર વર્ષ હોય છે, જે 12 મહિનાઓમાં વિભાજિત થયું છે મોહરમ, સફર, રબી—ઉલ—અવ્વલ, રબ–ઉલ—આખિર, જમાદ-ઉલ-અવ્વલ, જમાદ—ઉલ—આખિર, રજબ, શાબાન, ૨મઝાન, શવ્વાલ, ઝિલ–કદ અને ઝિલ–હિજ્જા. હિજરી કેલેન્ડરના દિવસો ગ્રેગોરિયન કેલેન્ડર ના દિવસો કરતાં દર વર્ષે 11 દિવસ વહેલાં આવે છે.
હિજરી કેલેન્ડરનો દિવસ, સૂર્ય આથમે પછી શરૂ થાય છે. મોહરમ મહિનાના છેલ્લા દિવસે સર્ય આથમે પછી ચંદ્ર દેખાય ત્યારે સફર મહિનાનો પહેલો દિવસ શરૂ થયો ગણાય છે.
ગ્રેગોરિયન કેલેન્ડર
ગ્રેગોરિયન કેલેન્ડર ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ પર આધારિત છે. ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત પોપ ગ્રેગોરી- XIII દ્વારા 15 ઓકટોબર 1582 થી કરવામાં આવી હતી. તે જાન્યુઆરીના પ્રથમ દિવસથી શરૂઆત થનાર એક સૌર કેલેન્ડર છે. તે વિશ્વમાં વ્યાપક ધોરણે ઉપયોગમાં લેવાતું કેલેન્ડર છે. તેમાં 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ તથા 46 સેકન્ડ હોય છે.
આ કેલેન્ડરને 12 મહિનામાં વિભાજિત કરવામાં આવે છે, તેમાં દર ચાર વર્ષ પછી ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ જોડવાની રીતને 'લીપ યર' તરીકે ઓળખવામાં આવે છે.
પારસી કેલેન્ડર
ભારતમાં રહેતા પારસી સમુદાય શહેંશાહી પારસી કેલેન્ડરનું પાલન કરે છે, જેમાં લીપ યર હોતું નથી. પારસી કેલેન્ડરમાં પ્રથમ અગિયાર માસમાં 30 દિવસ હોય છે જ્યારે બારમા માસમાં 35 દિવસો હોય છે, આમ, સંપૂર્ણ વર્ષમાં 365 દિવસ હોય છે, પારસી કેલેન્ડરને 'યજદે' તરીકે ઓળખવામાં આવે છે.
પારસી કેલેન્ડર કે યુગની શરૂઆત વર્ષ 632 થી થઈ તથા પારસીઓના બે નવા વર્ષોમાં નીચે મુજબના તહેવારે ઉજવવામાં આવે છે,
- જમશેદજી નવરોજ: 21મી માર્ચ
- કાદમી નવ વર્ષ અથવા પતેતી : 31 ઓગષ્ટ