સામાન્ય રીતે કિલ્લાનું નિર્માણ સંરક્ષણના હેતુથી કરવામાં આવે છે. ગુજરાતમાં દેશી રજવાડાઓના અસ્તિત્વ સમયે રાજા–મહારાજાઓ દ્વારા આ પ્રકારના કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવતું. સમયાંતરે આ કિલ્લાઓ આપણી ઐતિહાસિક વિરાસત અને સ્થાપત્ય કળાના સમૃદ્ધ પ્રવાસનના સ્થળ તરીકે ઉભરી આવ્યા. ગુજરાતમાં હિંદુ, ઈસ્લામ અને યુરોપીયન કળા સ્થાપત્યની ઝાંખી કરાવતા કિલ્લાઓ મળી આવેલ છે. 'ભગવદ્ગોમંડળ' માં કિલ્લાની મહત્વપૂર્ણ વિગતો આપવામાં આવી છે. કિલ્લાને 'દુર્ગ' કે 'કોટ' પણ કહે છે.
કિલ્લાઓમાં પ્રાથમિક જરૂરિયાતોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે કટોકટીના સમયે એક સ્વનિર્ભર નગરની ગરજ સારતું હતું. કિલ્લાનું બાંધકામ કઈ જગ્યાએ અને કઈ રીતે કરવામાં આવ્યું છે તેના આધારે તેના નીચે પ્રમાણે પ્રકારો પડે છે.
વાયુદુર્ગ : જે કિલ્લાનું નિર્માણ પહાડી પર ઊંચાઈએ સીધા ચઢાણવાળી જગ્યાએ કરવામાં આવે તેને 'વાયુદુર્ગ' કહેવામાં આવે છે. જેને દેવદુર્ગા, ગિરિદુર્ગ કે પાસ્તર દુર્ગ પણ કહે છે.
જળદુર્ગ: જે કિલ્લાનું નિર્માણ પાણીની નજીક અથવા પાણીના મધ્યમ કરવામાં આવ્યું હોય તેને 'જળદુર્ગ' તરીકે ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ નદી કે સરોવરના કાંઠે અથવા નદી કે સમુદ્રના ટાપુઓ પર કરવામાં આવે છે. તેને અમ્બ દુર્ગ, ઔદક દુર્ગ કે નદીય દુર્ગ પણ કહે છે.
ધનુદુર્ગ: જે કિલ્લાનું નિર્માણ મરૂ (રણ) ભૂમિમાં થયું હોય જેની આસપાસ પાણીની વ્યવસ્થા ના હોય, ઉજ્જડ વિસ્તાર હોય તેને 'ધનુદુર્ગ' કે 'ધન્વદુર્ગ' પણ કહે છે.
નૃ દુર્ગ: જે કિલ્લાનું નિર્માણ પથ્થરોથી કરવામાં આવ્યું હોય અને જેમાં કોટ અને ઝરૂખાની રચના હોય અને ચારેય દિશામાં યુદ્ધ કરવા સક્ષમ હોય તથા સંપૂર્ણ સેનાથી રક્ષિત હોય તેવા મોટા મજબૂત કિલ્લાને 'નૃ દુર્ગ' કહે છે.
ગુહાદુર્ગ: જે કિલ્લામાં મજબૂત દિવાલોની સાથે છુપા ભોયરાઓનું પણ નિર્માણ કરેલું હોય તેને ગુહાદુર્ગ કહે છે.
વનદુર્ગ: જે કિલ્લો ચારે બાજુ ગીચ ઝાડીઓની વચ્ચે બંધાયેલો હોય, તરત જોઈ શકાતો ન હોય તેવા કિલ્લાને 'વનદુર્ગ' કહે છે.
પંકદુર્ગ: જે કિલ્લાની આસપાસ કાદવની ઊંડી ખાઈનું નિર્માણ કરેલું હોય કે જેના પર પગ મૂકતાં માણસ કે પશુઓ સીધા તેની અંદર ઊંડા ઉતરી જાય તેને 'પંકદુર્ગ' કહે છે.
ગુજરાતનાં મહત્વના કિલ્લાઓ
કિલ્લાનું નામ | સ્થળ | કિલ્લાનું નામ | સ્થળ |
---|---|---|---|
શેહાનો કિલ્લો | નખત્રાણા | માંચીનો કિલ્લો | હાલોલ |
તેરા ફોર્ટ | અબડાસા | ખુણેશ્વરનો કિલ્લો | હાલોલ |
લખપતનો કીલ્લો | લખપત | બાવમાનનો કીલ્લો | હાલોલ |
વઢવાણનો કીલ્લો | વઢવાણ | ગઢીનો કીલ્લો | દાહોદ |
મોડપરનો કીલ્લો | ભાણવડ | ભરૂચનો કિલ્લો | ભરૂચ |
હસનપુરનો કિલ્લો | પાલનપુર | અજમલગઢનો કિલ્લો | વાસંદા |
કડીનો કીલ્લો | કડી | રૂપગઢનો કિલ્લો | વઘઇ |
તરાંગાનો કીલ્લો | સતલાસણા | અર્જૂનગઢનો કિલ્લો | બગવાડા |
વડનગરનો કિલ્લો | વડનગર | મોહનગઢનો કિલ્લો | ધરમપુર |
પારનેરાનો કિલ્લો | વલસાડ | શિવજીનો કિલ્લો | વાંસદા |
ઉપરકોટનો કિલ્લો
મૂળનામ ગિરિદુર્ગ હતું. આ કિલ્લો ઈ.સ. પૂર્વે 319માં ચંદ્રગુપ્ત મૌર્યએ બંધાવેલ હોવાનું મનાય છે. ત્યારબાદ સમયાંતરે વિવિધ શાસકો દ્વારા તેનુ સમારકામ થયું હતું. ઈ.સ. 1450માં રાજા રા'માંડલિક ત્રીજાએ અને ઈ.સ. 1893-94માં દિવાન હરિદાસ વિહારીદાસે આ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાની માહિતી
મળે છે.
આ કિલ્લાને ખેંગારગઢના નામથી પણ ઓળખાય છે. આ કિલ્લો ગુજરાતમાં નવાબ મોહમ્મદ બેગડા અને ચુડાસમા શાસકના કાર્યકાળની ઝાંખી પુરાવે છે. ઉપરકોટના કિલ્લામાં વિશિષ્ટ પ્રવેશદ્વાર છે. આ કિલ્લામાં દરવાજાની ઉપરના ભાગે રાજા માંડલિક ત્રીજા નો શિલાલેખ આવેલો છે. આ દુર્ગમાં પૌરાણિક અડી–કડી વાવ અને નવઘણ કૂવો છે. એવી કહેવત છે કે 'અડી કડી નવઘણ કુવો જે ન જોયો તે જીવતે મુઓ'.
ઉપરકોટના કિલ્લામાં અનાજના કોઠારો આવેલા જોવા મળે છે. આ કિલ્લાની ગુફામાં પ્રારંભિક માનવ શિલ્પ મળી આવ્યા હતા.
ઉપરકોટનો કિલ્લો સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત વખતે મહમદ બેગડાની શિયાળુ રાજધાની બની. ખાપરા અને કોડિયા નામના બહારવટીયાઓના ભોંયરા અહીં આવેલા છે. ઉપરકોટમાં નીલમ અને માણેક નામની બે તોપ આવેલી છે. ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ ભીક્ષુઓ બીજી સદીમાં ગુફાઓ બનાવીને ઉપાસના કરતા હોવાનુ માનવામા આવે છે.