ઠાકોરસા. દિગ્વિજયસિંહજી ઝાલા - લીંબડી
દિગ્વિજયસિંહજીનો જન્મ તા.૧૦-૪-૧૮૯૬ના રોજ થયો હતો અને તેમણે રાજકોટની રાજકુમાર કોલેજ અને ઇંગ્લેન્ડની ઇટન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમ્યાન તેઓથી તેમને ભણાવનારા પણ ખૂબ પ્રભાવિત થયા હતા. દહેરાદૂન મિલિટરી કોલેજના ઇમ્પિરિયલ કેડેટ કોરમાં પણ તેઓ ભરતી થયા હતા.
એ સૈન્યના સંસ્કાર અને શિસ્ત તેમના ઉપર એવા તો સવાર થઇ ગયા કે, તેઓ કોઇ પ્રસંગોએ એ કેડેટનો પોશાક પહેરતા અને એ પોશાક પહેરવાની અંગ્રેજ સરકાર પાસે મંજુરી માંગી હતી અને એ મંજુરી મળતા તે પોશાક પ્રસંગોપાત પહેરતા હતા. આટલો બધો તેમને ઇમ્પિરિયલ કેડેટ કોરમાં અને તેના પોશાકમાં રસ હતો કે તેમને લોકો સતત આ કેડેટ કોરના સૈનિક તરીકે ઓળખે.
![]() |
ઠાકોરસા દિગ્વિજયસિંહજી ઝાલા |
તેઓ લીંબડીના ૩૬માં શાસક દોલતસિંહજીના જ્યેષ્ઠ પુત્ર હતા અને દિગ્વિજયસિંહજી ઉર્ફે દાદાસાહેબ તરીકે પણ ઓળખાતા હતા. તેઓ તા.૧૩-૧૦-૧૯૪૦ના રોજ ગાદીએ બેઠા હતા. ઇ.સ.૧૯૧૦માં તેમના પ્રથમ લગ્ન ઇડરના મહારાજા કેસરીસિંહજીના કુંવરી નંદકુંવરબા સાથે થયા હતા, બીજા લગ્ન ઇ.સ.૧૯૩૯માં જાડેજાના કુંવરી પ્રવિણકુંવરબા સાથે થયા હતા.
પ્રવિણકુંવરબાથી તેઓને ત્યાં ઠાકોર છત્રસાલજીનો જન્મ થયો હતો. જ્યારે નંદકુંવરબાને રામરાજેન્દ્રસિંહજી નામના પુત્ર અને બે પુત્રીઓ થયા હતા. પરંતુ રામરાજેન્દ્રસિંહજીનું અકાળે સંવત ૧૯૮૭ ભાદરવા સુદ-૬ના રોજ ૧૪ વર્ષની વયે અવસાન થયુ, આથી તેમના દાદા દોલતસિંહજીએ તેમની સ્મૃતિને તાજી રાખવા તેમના નામ ઉપરથી રામસાગર તળાવ, રામરાજપરગામ અને રામરાજેન્દ્રસિંહજી નામની હોસ્પિટલ બાંધી હતી.
દિગ્વિજયસિંહજી ખૂબ જ હોંશિયાર, વાકછટાવાળા અને સામા માણસની સાથે સંબંધો બાંધી લે તેવા ચપળ હતા. કાશ્મીરના મહારાજા હરિસિંહજી અને પાલનપુરના નવાબ તાલે મહમદ ખાનજી તેઓના ખાસ મિત્ર હતા. જ્યારે નવાનગરના જામ સાહેબ લીગ ઓફ નેશન્સની બેઠકમાં હાજરી આપવા ગયા ત્યારે તેઓ દિગ્વિજયસિંહજીને અંગત મંત્રી તરીકે સાથે લેતા ગયા હતા.
જ્યારે પોતે યુવરાજ હતા ત્યારે તેમણે લીંબડીમાં ઘનશ્યામસિંહજી કલબની સ્થાપના કરી હતી. તેઓ તા.૬-૧-૧૯૪૧ને સોમવારના રોજ અસાધ્ય રોગની બિમારીથી અગિયાર માસના પુત્રને મૂકી મુંબઇમાં અવસાન પામ્યા. પરંતુ તેમના પાર્થિવ દેહને રાજધાની લીંબડીમાં જ લવાયો અને લીંબડીમાં જ અગ્નિસંસ્કાર કરી રાજસ્મશાનમાં તેમની છતરડી ઉભી કરી તેમાં આરસનો શિલાલેખ કોતરવામાં આવ્યો છે, જેમાંથી તેમની જન્મ, મૃત્યુ સાલ અને રાજ્ય કાળનો સમય જાણવા મળે છે.
તેઓ અવસાન પામ્યા ત્યારે એક બીજી ઘટના એ પણ બની હતી હું કે, લીંબડીમાં રહેતી મિસ.શાર્પ નામની અંગ્રેજ વિદુષી બાઇ કે જેણે દોલતસિંહજીનું અંગ્રેજીમાં જીવન ચરિત્ર લખ્યુ હતું અને દોલતસિંહજીને અન્નદાતા કહીને બોલાવતી હતી તે પણ દિગ્વિજયસિંહજીની સાથે સાથે તે રાત્રે જ મૃત્યુ પામી હતી. લીંબડી રાજ્યમાં ૫૦ સંપૂર્ણ હકૂમતવાળા ગામો હતા અને માત્ર મહેસૂલી હકૂમતવાળા ૩૪ ગામો ઇ.સ.૧૯૪૧માં હતા.
લીંબડી શહેરની વસતિ ઇ.સ.૧૮૮૧માં ૧૨,૮૭૩. ઇ.સ.૧૮૯૧માં ૧૩,૪૯૭.ઇ.સ.૧૯૦૧માં ૧૨,૪૮૫. ઇ.સ.૧૯૧૧માં ૧૧,૦૩૯. ઇ.સ.૧૯૨૧માં ૧૧,૨૯૪. ઇ.સ.૧૯૩૧માં ૧૩,૮૦૮ની હતી.