પોરબંદરના ૧૭૭માં શાસક ખીમોજી (ઇ.સ.૧૮૧૩ થી ૧૮૮૧)ના અવસાન બાદ વિકમાતજીએ પોરબંદર રાજ્યના જેઠવા વંશના શાસક બન્યા. જેઓને ભોજરાજજી પણ કહેતા તેમનો જન્મ ઇ.સ.૧૮૨૩માં થયો હતો. તેના પિતા રાણા ખીમાજીના સમયે તેઓ આઠ વર્ષની જ ઉંમરના હોવાથી રાજ્યનો કારભાર રાજમાતાશ્રી રૂપાળીબાઇએ ચલાવ્યો હતો. જે રૂપાળીબા સાદુ જીવન જીવતા, ખોટા ખર્ચાના વિરોધી હતા, જેમણે રાજ્યની તિજોરી ખાલી હતી તે વખતે પોતે રાજ્ય કરકસરથી ચલાવવાનો માર્ગ પસંદ કરી રાજ્ય ચલાવ્યુ.
રાજમાતા ધાર્મિક પ્રકૃતિના હતા જેમણે માધવપુરમાં માધવરાયજીનું મંદિર ઇ.સ.૧૮૪૦માં બંધાવ્યુ. વિકમાતજીના સમયમાં પોરબંદરમાં કેદારેશ્વર, કેદારકુંડ, રૂપાળીબા તળાવ (ભોજસર) બંધાયા. રાજમાતા ઇ.સ.૧૮૪૧માં મૃત્યુ પામ્યા પછી વિકમાતજીએ રાજધુરા પોતાના હાથમાં લીધી.
![]() |
મહારાજા વિકમાતજી જેઠવા |
પોરબંદર રાજયનીવસતિ ઇ.સ.૧૮૮૧માં ૭૧,૦૭૨. ઇ.સ.૧૮૯૧માં ૮૫,૭૮૫.ઇ.સ.૧૯૦૧માં ૮૨,૬૪૦. ઇ.સ.૧૯૧૧માં ૯૧,૪૪૦. ઇ.સ.૧૯૨૧માં ૧,૦૧,૮૮૧.ઇ.સ.૧૯૩૧માં ૧,૧૫,૬૭૩ હતી અને પોરબંદર શહેરની વસતિ ઇ.સ.૧૮૮૧માં ૧૪,૫૬૯. ઇ.સ.૧૮૯૧માં ૧૮,૮૦૫. ઇ.સ.૧૯૦૧માં ૨૪,૬૨૦. ઇ.સ.૧૯૧૧માં ૨૪,૮૨૧. ઇ.સ.૧૯૨૧માં ૨૮,૬૯૯. ઇ.સ.૧૯૩૧માં ૩૩,૩૮૩. ઇ.સ.૧૯૪૧માં ૪૮,૪૯૩. ઇ.સ.૧૯૫૧માં ૫૮,૮૨૪. ઇ.સ.૧૯૬૧માં ૭૫,૦૮૧ની હતી. જયારે ઇ.સ. ૨૦૦૧માં શહેરની વસતિ ૩,૩૦,૪૩૩ની હતી.
વિકમાતજીના યોગ્ય વહીવટ અને સ્થિરતાને હિસાબે અંગ્રેજ સરકારે પોરબંદર રાજ્યને પ્રથમ વર્ગમાં ગળ્યુ. વિકમાતજીના સમયમાં દરિયાકાંઠામાં ચાંચિયાગીરી ઓછી થઇ હતી. ઓખા મંડળ ગાયકવાડને સોંપતા વાઘેરો બહારવટે ચડડ્યા હતા. જેને પોરબંદરની ફોજે નશ્યત કર્યા હતા. વિકમાતજી જ્યારે યાત્રાએ ગયા ત્યારે રાજકારભાર કુમાર માધવસિંહજીને સોંપીને ગયા હતા ત્યારે માધવસિંહને બદલે હજુરી લક્ષ્મણ ખવાસે રાજ્ય ચલાવ્યુ અને રાજ્યને ખૂબ જ નુકશાન પહોંચાડડ્યુ અને માધવસિંહના મૃત્યુના સમાચાર સાંભળી વિકમાતજીએ યાત્રાએથી પાછા આવ્યા અને તેમણે લક્ષ્મણ ખવાસના નાક કાન કાપી નાંખ્યા તેથી ખવાસે આબરૂ જવાની બીકે આપઘાત કરી લીધો.
આ ઘટનાની અંગ્રેજ સરકારને જાણ થતા તેમણે વિકમાતજી ઉપર પગલા લઇ પોરબંદર રાજ્યને પ્રથમ વર્ગમાંથી ત્રીજા વર્ગમાં મૂકી દીધુ અને વિકમાતજીના હાથમાંથી સત્તા લઇ એડમિનિસ્ટ્રેટર નીમી લીધો હતો. ઇ.સ.૧૮૮૮માં સર એફ.એસ. લેલીએ પોરબંદરનો કિલ્લો તોડી નાંખ્યો તે અંગે એક ગીત ગવાય છે. ‘‘રાણાનો ગઢ લેલીડે લીધો, પાડીને પટડો કીધો... રાણાનો ગઢડો".
આ સમયે વિકમાતજીએ અંગ્રેજ સરકાર પાસે પોતાને થયેલા અન્યાયની રજૂઆતો કરી હતી તેમ છતાં ઇ.સ.૧૮૮૬ થી ૧૯૦૦ સુધી પોરબંદરમાં વિકમાતજીના સમયમાં બ્રિટીશ એડમિનિસ્ટ્રેશન રહ્યુ. આ સમયે રેલવે અને સડકો બંધાઇ અને રાણાશાહી કોરી બંધ કરવામાં આવી. વિકમાતજી રાજર્ષિ જીવન જીવનારા હતા, પોતે ધાર્મિક વ્યક્તિ હતા. દરરોજ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી પૂજામાં બેસતા હતા. પોતે શરૂઆતમાં વૈષ્ણવધર્મી હતા. પરંતુ પછી શૈવધર્મી બન્યા હતા. વિકમાતજી તા.૨૧-૪-૧૯૦૦ના રોજ મૃત્યુ પામ્યા તે પછી ભાવસિંહજી પોરબંદરની ગાદીએ બેઠા હતા.