રાજકોટના અગિયારમાં શાસક મેરામણજી ચોથા પછી બાવાજીરાજ રાજકોટની ગાદીએ આવ્યા. રાજકોટ રાજ્ય બીજા વર્ગનું હતું અને ૬૫ ગામ ધરાવતુ રાજ્ય હતું. તા.૩૦-૮-૧૮૫૬ના રોજ બાવાજીરાજ જનમ્યા પણ બે વર્ષમાં જ તેમના માતા હરિબા મૃત્યુ પામ્યા. પિતાના અવસાન સમયે બાવાજીરાજની ઉંમર ૬ વર્ષની હોવાથી દાદીમા નાનબાએ રાજ્ય ચલાવ્યુ.
બાવાજીરાજે રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યુ હતું. આ રાજવી વિદ્વાન, સારા વાચક, મિલનસાર, હિંમતવાન, પ્રતાપી અને કાયદા કાનૂનના જાણકાર હતા. ખૂબ જ સાદગી પૂર્ણ રહેનારા હતા. તેઓને અગિયાર રાણીઓ હતા જેમાં (૧) વાંકાનેરના કુંવરી ચાંદબા (૨) સાયલાના કુંવરી કેસાબા (૩) કુંડલાના ઝાલાના કુંવરી બાજીરાજબા (૪) સાયલાના કુંવરી બીજા (૫) સિંધાવદરના કુંવરી હાજુબા (૬) કાનપુરના કુંવરી બાઇરાજબા (૭) ધરમપુરના કુંવરી આનંદકુંવરબા (૮) સિંધાવદરના કુંવરી સુંદરબા (૯) લાખણકાના ગોહિલ કુંવરી ગગુબા. તેમાંથી તેમના મરણ સમયે અગિયારમાંથી ત્રણ રાણીઓ હયાત હતા. કુમારશ્રી લાખાજીરાજને ધરમપુર વાળા રાણી આનંદકુંવરબાએ સરધારમાં જન્મ આપ્યો હતો.
![]() |
ઠાકોરસા બાવાજીરાજ જાડેજા - રાજકોટ |
ઇ.સ.૧૮૭૩માં બાવાજીરાજે હિંદુસ્તાનનો પ્રવાસ કર્યો હતો. બાવાજીરાજે પોતાના રાજ્યમાં ઘણા બધા સુધારાઓ પણ કરાવ્યા હતા. તેમાં તેણે અમુક જગ્યાએ ભાગબટાઇને બદલે ગણોત ઠરાવી વિઘોટીની શરૂઆત કરી અને અપીલ કોર્ટ તથા સ્મોલ કોર્ટની સ્થાપના કરી અને તેમાં ન્યાયધીશ તરીકે ખુદ બેસતા હતા. ઇ.સ. ૧૮૭૭ના દુષ્કાળ વખતે સરધારનું જૂનુ તળાવ અને જૂનો દરબારગઢ સમરાવવામાં એક લાખ ખર્ચીને પ્રજાને કામ આપ્યુ.
કોઠારિયા નાકા બહારના રાજકોટના રાજ બગીચામાં એક ભવ્ય મહેલ બંધાવ્યો. રાંદરડાનું તળાવ, કાઠિયાવાડના રાજાઓના ખર્ચે બનાવવાનું હતું તેમાં તેમણે જમીન આપી હતી. બાવાજીરાજના કાળમાં રાજકોટ રાજ્યને દીવાની કામમાં ફુલ સત્તા અને ફોજદારી કામમાં પોતાની રૈયતને દેહાંત દંડની સજા કરી શકે પણ પર રાજ્યની રૈયતને દેહાંત દંડની સજા કરવા માટે અંગ્રેજ સરકારની મંજૂરી લેવી પડતી હતી.
આ બાવાજીરાજે જ અંગ્રેજ સરકારને રાજકોટમાં સિવીલ સ્ટેશન માટે ૩૮૫ એકર જમીન રૂા.૪૫૦૦ના ભાડાથી આપી હતી. તેમના કાળમાં રાજકોટ અને સરધારમાં પુસ્તકાલયો ખુલ્લા મૂકવામાં આવ્યા અને પરા બજાર અને માર્કેટ બંધાણી અને મ્યુનિસિપાલિટીની સ્થાપના થઇ અને મ્યુનિસિપાલિટીનું યોગ્ય બંધારણ ઘડવામાં આવ્યું. રાજકોટ અને જૂની રાજધાની સરધારને વિકસાવવાનો સારો એવો પ્રયત્ન કરનાર આ રાજવી હતા.
બાવાજીરાજ તા.૧૧-૪-૧૮૯૦ના રોજ નાની વયે એક માસની સખત બિમારીમાં મૃત્યુ પામ્યા. પરંતુ આજે પણ તેમના નામની રાજકોટમાં શાળા ચાલે છે, તે રીતે દરરોજ આ રાજવીને વિદ્યાર્થીઓ યાદ કરે છે. બાવાજીરાજે રાજકોટને આધુનિક યુગમાં પ્રવેશ કરાવી રાજ્યને વધુ મજબૂત અને સારૂ બનાવ્યુ હતું.
રાજકોટ શહેરની વસતિ ઇ.સ.૧૮૮૧માં ૨૧,૧૫૨. ઇ.સ.૧૮૯૧માં ૨૯,૨૪૭.ઇ.સ.૧૯૦૧માં ૩૬,૧૫૧. ઇ.સ.૧૯૧૧માં ૩૪,૧૯૪. ઇ.સ.૧૯૨૧માં૪૫,૮૪૫.ઇ.સ.૧૯૩૧માં ૫૯,૧૧૨. ૬૬,૩૫૩.ઇ.સ.૧૯૫૧માં૧૩૨,૦૬૯. ઇ.સ.૧૯૬૧માં ઇ.સ.૨૦૦૧માં રાજકોટની વસતિ ૧૯,૭૦,૪૯૧ની હતી. ઇ.સ.૧૯૪૧માં ૧૯૪,૧૪૫.