લોકશાહી એ સરકારનું એક સ્વરૂપ છે, જેમાં લોકોને તેમના પ્રતિનિધિઓ પસંદ કરવાનો અધિકાર છે. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પછી દેશ પર શાસન કરવા માટે સરકારની રચના કરે છે. સરળ શબ્દોમાં લોકશાહી એ ચોક્કસ દેશના "લોકોની, લોકો દ્વારા અને લોકો માટે" ની સરકાર છે.
લોકશાહીના પ્રકારો
લોકશાહીને વ્યાપક રીતે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે, એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ લોકશાહી:
પ્રત્યક્ષ લોકશાહી
પ્રત્યક્ષ લોકશાહી એ છે કે જેમાં લોકો પોતે બિલ અથવા સુધારા પર મત આપે છે. તેમાં દેશના લોકો મોટી સંખ્યામાં સામેલ થતાં હોય છે. તે મુખ્યત્વે પ્રાચીન ગ્રીક શહેરોમાં પ્રચલિત હતું.
પરોક્ષ લોકશાહી
પરોક્ષ લોકશાહી તે છે, જે હાલમાં ભારતમાં અને કેટલાક અન્ય મોટા દેશો જેમ કે યુએસએ, યુકે વગેરેમાં પ્રેક્ટિસ ક૨વામાં આવે છે. અહીં પ્રતિનિધિઓની પસંદગી ચૂંટણી દ્વારા કરવામાં આવે છે અને પ્રતિનિધિઓ લોકો વતી મહત્ત્વપૂર્ણ નિર્ણયો લે છે.
ભારતમાં લોકશાહીની વિશેષતાઓ :
લોકશાહીના ઉપરોક્ત પ્રકારો સિવાય, વિવિધ દેશોએ તેમની સામાજિક-સાંસ્કૃતિક આવશ્યકતાઓને અનુરુપ વધારાની વિશેષતાઓને સમાવીને સરકારના પોતાના અનન્ય સ્વરૂપો વિકસાવ્યા છે. આમાં દ્વિ-પક્ષીય પ્રણાલી, બહુપક્ષીય પ્રણાલી અથવા પ્રતિનિધિ ચૂંટણીની પરોક્ષ પદ્ધતિઓનો સમાવેશ થઈ શકે છે. લોકશાહીની વિશેષતાઓ જ મૂળભૂત સશક્તિકરણનું સાધન છે. લોકશાહીની વિશેષતાઓ નીચે મુજબ છે...
- મુક્ત અને ન્યાયી ચૂંટણી
- લઘુમતીઓનું પ્રતિનિધિત્વ
- બંધારણીય કાયદાનું દ્વારા શાસન
- વાણી, અભિવ્યક્તિ અને પસંદગીની સ્વતંત્રતા
- સંઘીય અધિકારો
- શિક્ષણનો અધિકાર
- એસોસિયેશન અને યુનિયન બનાવવાનો અધિકાર
- બધા માટે સમાન કાયદો
આજે વિશ્વના દરેક દેશ પોતાને લોકશાહીવાદી માને છે. પરંતુ વાસ્તવમાં લોકોના હક્ક અને સ્વાતંત્ર્યને અબાધિત રાખનાર અને જનકલ્યાણને પ્રાધાન્ય આપનાર લોકશાહી બહુ ઓછા દેશોમાં છે. વર્તમાનમાં લોકશાહી સામે લશ્કરી શાસનનું બહુ મોટું જોખમ છે. જેમ કે, મ્યાનમાર તથા પાકિસ્તાન.
આમ, લોકશાહી સામે લશ્કરી શાસનનું જોખમ વધી રહ્યું છે, ત્યારે જાગતિક સ્તરે સાચી લોકશાહીનો પ્રસાર થવો અને દરેક દેશમાં તેનું અવલંબન લોકશાહી સામેનું મોટું આહ્વાન છે. લોકશાહી પ્રસારનું આ જાગતિક સ્તરનું આહ્વાન છે. જે દેશોમાં લોકશાહી છે, એવું આપણે કહીએ છીએ ત્યાં પણ લોકશાહીનું ક્ષેત્ર મર્યાદિત જ છે. ભારત જેવા અન્ય દેશોમાં પણ લોકશાહી એટલે માત્ર મતદાન, ચૂંટણી, શાસન વ્યવહાર, ન્યાયાલય વગેરેનો બોધ થાય છે. પરંતુ આ લોકશાહીનું કેવળ રાજકીય સ્વરૂપ છે.
લોકશાહીને જો એક જીવનમાર્ગ બનાવવો હોય તો લોકશાહી સમાજના વિભિન્ન ક્ષેત્રોમાં પહોંચવી જોઇએ. તે માટે સમાજના દરેક ઘટકોનો સમાવેશ, સામાજિક સંસ્થાઓની સ્વાયત્તા, નાગરિકોનું સશક્તિકરણ, માનવી મૂલ્યોનું જતન વગેરે માર્ગો અપનાવવા જરૂરી છે. ખરી લોકશાહી સ્થાપવા માટે આ કાર્ય પૂર્ણ કરવા જરૂરી છે.
લોકશાહીના મૂળ વધુ ઊંડા કરવા એ જગતના દરેક લોકશાહી રાષ્ટ્રો સામે મોટો પડકાર છે. સ્વાતંત્ર્ય, સમતા, બંધુતા અને ન્યાય, શાંતિ, વિકાસ અને માનવતાવાદના મૂલ્યો સમાજના દરેક સ્તર સુધી પહોંચાડવા આવશ્યક છે. લોકશાહીને મજબૂત કરવા માટે આ સુધારણાની આવશ્યકતા છે.
ભારતીય લોકશાહી સામેના પડકારો
લોકશાહીને વધુ અર્થપૂર્ણ કરવા માટે સરકારે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું, મહિલા અને દુર્બળ ઘટકો માટે આરક્ષણ જેવી ઉપાય યોજનાઓ યોજી. પરંતુ આમ કરવાથી નાગરિકોના હાથમાં ખરી સત્તા આવે છે કે કેમ આ પ્રશ્નનો વિચાર કરવો આવશ્યક છે.
જમાતવાદ અને દહેશતવાદ
ધાર્મિક સંઘર્ષ અને તેમાંથી નિર્માણ થનાર દહેશતવાદ ભારતીય લોકશાહી સામેનું સૌથી મોટું આહ્વાન છે. સમાજમાં ધાર્મિક કુટિલતા વધતાં સામાજિક સ્થિરતા નહીંવત થાય છે. દહેશતવાદ જેવી ઘટનાઓને કારણે લોકોનો લોકશાહીમાં સહભાગ ઓછો થાય છે.
ડાબેરી ઉગ્રવાદી (નક્સલવાદ)
નક્સલવાદ એ ભારતની ખૂબ મોટી સમસ્યા છે. ભૂમિહીન ખેડૂતો, આદિવાસીઓ પર થતા અન્યાયને દૂર કરવા માટે નક્સલવાદ શરૂ થયો. નક્સલવાદે હવે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. પણ તેમાં ખેડૂત-આદિવાસીઓની સમસ્યાનું મહત્વ ઓછું થઇ સરકારનો હિંસક પદ્ધતિથી વિરોધ કરવો, પોલીસ દળ પર હુમલો કરવો, જેવા માર્ગોનો ઉપયોગ નક્સલવાદી સમૂહ દ્વારા કરવામાં આવે છે.
ભ્રષ્ટાચાર
ભારતમાં સાર્વજનિક ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની સમસ્યા જણાઈ આવે છે. રાજકીય અને પ્રશાસકીય સ્તરના ભ્રષ્ટાચારને કારણે સરકારની કાર્યક્ષમતા ઓછી થાય છે. સરકારી કામોમાં લાગતો સમય, સાર્વજનિક સુખ સુવિધાની ઉતરતી ગુણવત્તા, જુદા જુદા આર્થિક ઘોટાળાઓને કારણ લોકોમાં વ્યવસ્થા તરફ અવિશ્વાસ અને અસમાધાનની ભાવના નિર્માણ થાય છે.
ચૂંટણી પ્રક્રિયામાં થતો ભ્રષ્ટાચાર, બનાવટી મતદાન, મતદારોને લાંચ આપવી. જબરદસ્તી કરવી જેવી ઘટનાઓને કારણે લોકોનો લોકશાહી પ્રક્રિયા પરથી વિશ્વાસ ઊઠી શકે છે.
રાજકારણનું ગુનેગારીકરણ
રાજકીય પ્રક્રિયામાં ગુનેગારોનો વધતો સહભાગ લોકશાહી સામેની એક ગંભીર સમસ્યા છે. કેટલીક વાર ગુનાહિત પૃષ્ઠભૂમિ, ગુનાહિત આરોપો, ભ્રષ્ટાચારના આરોપો ધરાવતી વ્યક્તિઓને રાજકીય પક્ષો ઉમેદવારી આપે છે. તેથી રાજકારણમાં પૈસા અને ગુંડાગીરીનું મહત્ત્વ વધે છે. તેથી ચૂંટણી વખતે હિંસાનો ઉપયોગ થઈ શકે છે.
સામાજિક પડકારો
ઉપરોક્ત વર્ણવેલા પડકારો સિવાય લોકશાહી સામે કેટલાક સામાજિક પડકારો પણ છે. બેરોજગારી, વ્યસન, દુકાળ, સાધન સંપત્તિનું અસમાન વિતરણ, ગરીબ-શ્રીમંત વચ્ચે વધતું અંતર, જાતીયતા જેવા સામાજિક પ્રશ્નો ઉકેલવા આવશ્યક છે.
ભારતીય લોકશાહીને સફળ બનાવવા શું કરી શકાય?
૧. લોકશાહીમાં બહુમતનું ખૂબ જ મહત્ત્વ છે. લોકશાહીમાં બહુમત મેળવનાર પક્ષ સત્તા સંભાળે છે. સંસદમાં દરેક નિર્ણય બહુમતીથી લેવામાં આવે છે.
૩. લોકશાહીનો ઉદ્દેશ બહુસંખ્ય સમાજનું કલ્યાણ હોય છે. બહુમતને મહત્ત્વ આપતી વખતે અલ્પમતમાં આવેલા અને અલ્પસંખ્યા ધરાવનાર લોકો પ૨ અન્યાય થવાની શક્યતા હોય છે. લોકશાહીમાં બહુમતીથી ચાલતી સ૨કા૨ હોય તો પણ અલ્પમતમાં આવેલા લોકોનો નિર્ણય પ્રક્રિયામાં સમાવેશ કરવો, તેમના હિતસંબંધોનો વિચાર કરવો એ પણ સ૨કા૨નું કર્તવ્ય છે.
૩. ટૂંકમાં લોકશાહી સરકારમાં દરેકના મતનું મહત્ત્વ હોવું જોઇએ. બહુમતીની સરકાર બહુસંખ્યા ધરાવતા સમાજની સ૨કા૨ ન હોવી જોઇએ. દરેક ધાર્મિક, ભાષિક, વાંશિક, જાતીય સમૂહોને લોકશાહીમાં નિર્ણય પ્રક્રિયામાં સહભાગી થવાની સમાન તક મળવી જોઇએ.
૪. ભારતીય ન્યાયાલયો રાજકીય પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે સભાનતાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છે. ખાસ કરીને રાજકારણનું અપરાધીકરણ થતું રોકવા ગુનેગારોને કડક શિક્ષા અને રાજકીય પ્રક્રિયામાં સહભાગી થવા પર ન્યાયાલયે પ્રતિબંધ મૂક્યો છે.
૫. ભારતની લોકશાહીને સફળ બનાવવા માટે માત્ર સરકાર, પ્રશાસન, ન્યાય વ્યવસ્થાના સ્તરે થતા પ્રયત્નો પૂરતા નથી.
૬. ભારતની લોકશાહીને સફળ બનાવવા માટે સામાજિક અને વૈયક્તિક સ્તરે પણ દરેકે સભાનતાપૂર્વક પ્રયત્નો કરવા જોઇએ.
૭. શાસકીય અને પ્રશાસકીય સ્તરે સર્વ શિક્ષા અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, ગ્રામ સમૃદ્ધિ યોજના, સ્વ-મદદ જૂથોની સ્થાપના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના જેવા અનેક ઉપક્રમો ચલાવવામાં આવે છે. સ્ત્રીઓનું રાજકીય પ્રતિનિધિત્વ વધારવા માટે સ્થાનિક શાસન સંસ્થાઓમાં 50% આરક્ષણ કરવામાં આવ્યું છે.
૮. ભારતની લોકશાહીને સફળ બનાવવી હોય તો દરેક સ્તરે નાગરિકોનો સહભાગ વધવો જોઈએ.
૯. ખાસ કરીને શાસનવ્યવહાર સ્તરે સહભાગ વધશે તો સાર્વજનિક ધોરણોનું સ્વરૂપ બદલાશે. સંવાદ દ્વારા તેનું નિર્માણ થશે. સત્તા પર ન આવી શકનારાઓ સાથે પણ આદાન- પ્રદાન લોકશાહીની સફળતા માટે આવશ્યક છે.
૧૦. પોતાના વ્યક્તિગત જીવનમાં પણ સમતા, સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, ધર્મનિરપેક્ષતા જેવા મૂલ્યોનો આદર અને જતન કરવું જોઇએ, આપણે દેશના એક જવાબદાર નાગરિક છીએ, એ જાગૃતિ દરેકે રાખવી જોઈએ તો જ લોકશાહી સફળ થશે.