ધાંગધ્રા રાજ્યના છેલ્લા રાજવી મયુરધ્વજસિંહજી થયા. તેઓ ઉર્ફે મેઘરાજજી(ત્રીજા) તરીકે ઓળખાતા હતા. ધાંગધ્રાના ઝાલા રાજવીઓને ઇતિહાસમાં શ્રીરાજ અથવા રાજસાહેબને નામે ઓળખવામાં આવે છે. તેઓનો જન્મ તા.૩-૩-૧૯૨૩ના રોજ કોટડાસાંગાણી વાળા મહારાણી આનંદકુંવરબા સાહેબની કુખે થયો હતો.
તેઓએ શરૂઆતનું શિક્ષણ ધાંગધ્રામાં અને પછીનું શિક્ષણ ઇંગ્લેન્ડમાં મેળવ્યુ હતું. જ્યારે તેઓના પિતા ઘનશ્યામસિંહજી અવસાન પામ્યા ત્યારે તેઓની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. આથી વહીવટમાં કાબેલ બનવા માટે તેઓ વડોદરા રાજ્યના દીવાન સર વી.ટી. કૃષ્ણામાચારી પાસે વહીવટ શીખવા રહયા હતા, ભર યુવાવયે તેઆએ ધાંગધ્રાની રાજગાદી સંપૂર્ણપણે સંભાળી હતી.
![]() |
રાજ મયુરધ્વજસિંહજી |
તેઓ પરદેશમાં કેળવણી લીધેલા હોવાથી અને યુવાન વયે ગાદીએ આવેલા અને વડોદરાજેવા રાજ્યમાં તૈયાર થયેલા હોવાથી તેમણે રાજ્યને સુધારવા અનેક પ્રયત્નો કર્યા. આ સિવાય અનેક યોજનાઓ મૂકી હતી. જે નીચે મુજબના મુદાઓથી જોઇ શકાય છે.
- (૧) પ્રાથમિક શિક્ષણ રાજ્ય ત્યારે મફત તો આપતુ જ હતું. તેને હવે ફરજિયાત ઇ.સ.૧૯૪૬થી કર્યુ.
- (૨) બાળલગ્ન ઉપર પ્રતિબંધ, વિધવા વિવાહની છુટ અને છુટાછેડાનો કાયદો અને સ્ત્રીઓને પણ મિલકતમાં અધિકારના કાયદાઓ પસાર કરાવ્યા હતા.
- (૩) ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર બનાવીને વધુ નિષ્પક્ષ બનાવ્યુ.
- (૪) મયુરધ્વજસિંહજી આવનાર સમયને બરાબર પારખી શક્યા હતા. આથી તેઓએ આધુનિક કાળને અનુરૂપ સુધારાઓ આપ્યા હતા. આથી તેઓએ પોતાના સુસવાવ ગામમાં તાલીમ કોલેજ ઉભી કરી અને ગ્રામ્ય પ્રજાને તેમાં તાલીમ અપાતી હતી.
- (૫) રાજ્યની સ્થિતિ સુધરે માટે સ્વચ્છ ગ્રામ અભિયાન, શિશુકલ્યાણ અને દૂધ કેન્દ્રો બાબતે પણ અનેક ફેરફારો અને સુધારાઓ કરી પોતે આધુનિક સુધારાઓનો પરિચય કરાવ્યો હતો.
- (૬) શહેર પંચાયત અને ગ્રામ પંચાયતનો કાયદો પસાર કરાવી એમણે સ્વશાસન માટેની ભૂમિકા તૈયાર કરી આપી હતી.
- (૭) રાજપુર ગામને સહકારી ખેતી ક્ષેત્રેના પ્રયોગ કરવા માટે પસંદ કર્યુ અને ખેતી સુધારણાના પ્રયત્નો કરાવ્યા.
- (૮) તેઓના કાળમાં ઇ.સ.૧૯૪૬માં ધાંગધ્રામાં ‘“કાઠિયાવાડ રાજકીય પરિષદ’’નું સાતમુ અધિવેશન ભરવાની તેઓએ મંજુરી આપી હતી.
- (૯) વિકાસની યોજનામાં ઝુંડ કંડલા રેલવે યોજના તૈયાર કરીને ધાંગધ્રા હળવદ દ્વારા શરૂ કરાવી હતી.
આઝાદી આવી ત્યારે તેમણે એમના રાજયને ભારતસંઘ સાથે જોડયુ હતું અને બીજાઓને એમ કરવા અનુરોધ કર્યો હતો. તેમને સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ઇ.સ.૧૯૪૫થી ૪૯ નરેન્દ્રમંડળની સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય ચૂંટાયા હતા. ધાંગધ્રારાજ્યની સાર્વભામ સત્તા જાળવીને સ્વતંત્ર ભારતમાં સમાવિત કરવાનો કરાર તા.૯.૮.૧૯૪૭ના રોજ કર્યો અને તા.૨૪.૧.૧૯૪૮ના કાઠિયાવાડના બીજા રાજયો તથા ભારત સરકાર સાથે ખાત્રી સહિત થઇ શ્રી રાજે કાઠિયાવાડને સંયુકત રાજય બનાવવા અંગેના કરારપત્રમાં સહી કરી હતી.
ભારતના નવા બંધારણનો સૈારાષ્ટ્ર રાજય તરફથી તેમણે ધાંગધ્રા ખાતે પોતાની સહીથી તા.૧૩.૧૧.૧૯૪૯ના રોજ એક જાહેર ઢંઢેરો બહાર પાડીને સ્વીકાર કર્યોહતો. તા.૬.૧૧.૧૯૪૮એ સૈારાષ્ટ્રની પ્રથમ ચૂંટણીઓ તેમના અઘ્યક્ષપદે યોજવામાં આવી હતી. એઓ ધારાસભ્ય અને સંસદ સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. તેઓને રૂા.૩.૮૦ લાખ વાર્ષિક સાલિયાણાની રકમ મળતી હતી. આ રાજવી આજે આપણું ગૈારવ છે.