લીંબડી એ ઝાલા શાસકોનું બીજા વર્ગનું ૭૪ ગામો ધરાવતુ રાજ્ય હતું. ફતેહસિંહજી માત્ર ૨૪ વર્ષની ઉંમરે અવસાન પામતા જસવંતસિંહજી તા.૩૦-૧-૧૮૬૨ના રોજ ગાદીએ બેઠા પરંતુ તેઓ બાળ વયના હોવાથી ૧૮૬૨ થી ૧૮૭૬ સુધી અનુક્રમે માતા હરિબા અને અંગ્રેજોનો વહીવટ રહ્યો પછી છેક ઇ.સ.૧૮૭૭માં જસવંતસિંહજીને પૂર્ણ સત્તા સોંપવામાં આવી હતી.
તેઓનો જન્મ ઇ.સ.૧૮૫૯માં થયો હતો અને તેમણે પ્રાથમિક શિક્ષણ લીંબડીમાં અને ઘરે અભ્યાસ કરી મેળવ્યુ. પછી તેઓ રાજકુમાર કોલેજમાં ભણ્યા અને ત્યાં તેમણે પોતાની પ્રતિભા બતાવી હતી અને નોન મેટ્રીક સુધી ભણ્યા હતા. તેઓને ચાર રાણી હતા, રાજકુમાર કોલેજમાં ભણેલા ઘણા વિદ્યાર્થીઓને તેના પ્રિન્સિપાલ સાથે વિદેશ પ્રવાસની તક મળતી હતી, જસવંતસિંહજીએ બે વખત વિદેશ પ્રવાસ કર્યો હતો.
![]() |
ઠાકોરસા જસવંતસિંહજી ઝાલા- લીંબડી |
તેમનામાં અમુક ખાસ ગુણ હતા, જેવા કે રાજ્ય વહીવટ પર અંગત દેખરેખ, ન્યાયિક પ્રશ્નોનો જાતે ઉકેલ અને ઓફિસમાં સતત હાજરી આ ગુણોને હિસાબે રાજ્યને ઘણો ફાયદો થયો હતો. તેઓના રાજ્ય કાળ દરમ્યાન લીંબડી રાજ્યએ ઘણી પ્રગતિ કરી અને તેના કાળમાં લીંબડીમાં પ્રખ્યાત વ્યક્તિઓમાં મુંબઇના ગવર્નર જેમ્સ ફરગ્યુસન, સર સયાજીરાવ ગાયકવાડ, મુંબઇના ગવર્નર લોર્ડ રે, સ્વામી વિવેકાનંદ વગેરે મહાનુભાવો પધાર્યા હતા.
જસવંતસિંહજીએ દરબારગઢમાં ભવ્ય ટાવર બંગલો બંધાવી તેમાં પરદેશી કલાત્મક ફર્નિચર ચિત્રો કરાવ્યા અને પંદર પંદર મીનિટે ડંકા પડે તેવુ અદભૂત ઘડિયાળ મુકાવ્યુ અને દરબારી ઓફિસવાળુ મકાન બંધાવ્યુ. તેઓએ પ્રજાજન માટે વોટર વર્કસ, નહેરો, બગીચાઓ બંધાવ્યા અને શિક્ષણ માટે ઇ.સ.૧૮૮૫માં જસવંતસિંહજી મીડલ સ્કૂલ અને સર જસવંતસિંહજી હાઇસ્કૂલ ઇ.સ.૧૯૦૭માં બંધાવી અને એ સિવાય કન્યા શાળા અને પુસ્તકાલયની સ્થાપના કરી હતી.
જસવંતસિંહજી વિચક્ષણ અને મુત્સદી રાજવી હોવાથી ભૂતકાળમાં બરવાળા પર અંગ્રેજ સત્તાએ પોતાની હકૂમત ઠરાવી હતી. તે ઝઘડામાં યોગ્ય રજૂઆતો કરી હતી. દરેક રાજવીઓ પોતાના અને અન્ય સગાના નામથી જેમ ગામો વસાવતા હોય છે તેમ જસવંતસિંહજીએ નવા ગામો વસાવ્યા તેમના નાના ભાઇ ઉમેદસિંહજી ઉપરથી ઉમેદપુર ઇ.સ.૧૮૮૭માં વસાવ્યુ. આ સિવાય ઇ.સ.માં૧૮૯૪ દેવસ્થળ, જાલમપુર અને યશવંતપુર નામના ત્રણ નવા ગામો વસાવ્યા.
કરણસિંહજી લખતર અને જસવંતસિંહજી બન્ને સાઢુભાઇ થતા હતા. તેઓ જ્યારે ચાર ધામની યાત્રાએ ગયા ત્યારે ચૌદ મહિના તેમણે રાજ ચલાવ્યુ અને તે મિત્રતા અને ઘટનાની યાદીગીરીરૂપ લખતરમાં કરણસિંહજીએ જસવંતસિંહજી હાઇસ્કૂલ સ્થાપી એ જ રીતે જસવંતસિંહજીએ પણ કદર કરી લીંબડીના ગ્રીન ચોકના વિસ્તારને કરણસિંહજી સ્કવેર નામ આપ્યું.
જસવંતસિંહજીને ધર્મમાં ખૂબ જ શ્રધ્ધા હતી અને અનેક મહાપુરૂષો સંતોના સત્સંગ કરનારા હતા. તેના કાળમાં લીંબડીમાં સ્વામી વિવેકાનંદ આવ્યા અને તેમના દરબારગઢમાં મહેમાન બન્યા હતા અને પછી સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળે જવા તેમણે ભલામણો કરી આપી હતી. તેઓનુ તા.૧૫-૪-૧૯૦૭ના રોજ મહાબળેશ્વર મુકામે અવસાન થયું. તેમણે લીંબડીને ઘણી સુંદર સગવડતાઓ પુરી પાડી ધાર્મિક રીતે શણગારીને વિખ્યાત શહેર બનાવ્યુ હતું. તેમને કોઇ પુત્ર સંતાન ન હતા તેથી તેમણે દત્તકની સનદ મેળવી હતી.