મહારાજા ભગવતસિંહજી તા.૯-૩-૧૯૪૪ના રોજ અવસાન પામતા તેમના પુત્ર ભોજરાજસિંહજી ગોંડલની ગાદીએ બેઠા. તેઓનો જન્મ તા.૮-૧-૧૮૮૩ના રોજ થયો હતો. તેઓએ ઇંગ્લેન્ડમાં એટન અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યુ હતું. જો કે તેમના વિચારો ભગવતસિંહજી સાથે બહુ મળતા નહોતા. તેમ છતાં ત્યારે રાજ્યની વહીવટી થોડી ઘણી તાલીમ મેળવી હતી. તે પોતે ૬૧ વર્ષની ઉંમરે ગાદીએ બેસતા કામમાં આવી હતી.
ભોજરાજસિંહજીને બગસરાના વાળા રાજવીઓ સાથે અને દિવાન વીરાવાળા સાથે સારા એવા સંબંધો રહ્યા હતા, જયારે બગસરામાં તાલુકદારશ્રી ભાયાવાળાએ તેમના નાના ભાઇ કુ.શ્રી વાલેરાવાળાના મોટા પુત્ર મહેરામ વાળાને દત્તક લીધા ત્યારે દત્તક વિધાન પ્રસંગે તેઓ મુખ્ય મહેમાન પદે રાણીસાહેબ સહિત પધાર્યા હતા. તેઓના રાણી સાહેબ ઓજલમાં રહેતા ન હતા.
![]() |
મહારાજા ભોજરાજસિંહજી જાડેજા |
આ સિવાય જસદણ રાજ્યના પ્રસંગોમાં પણ ભોજરાજસિંહજી જતા હતા. આ રીતે ભોજરાજસિંહજીને કાઠી રજવાડાઓ સાથે સારો એવો સંબંધ રહ્યો હતો. ભોજરાજસિંહજીના લગ્ન વણાના બનેસિંહજી ઝાલાના કુંવરી રાજકુંવરબા સાથે થયા હતા. તેઓને બે પુત્રો હતા, (૧) વિક્રમસિંહજી (૨) શિવરાજસિંહજી અને પાંચ પુત્રીઓ હતા. જેમાં યુવરાજ વિક્રમસિંહજીના ૩૦માં જન્મ દિવસે તા.૧૩-૧૦-૧૯૪૪ના રોજ તેમણે કેટલીક નવા જેશો જેમ અન્ય રાજવીઓ જાહેર કરતા હતા તેમ કરી હતી.
તેઓને પણ તેમના પિતા ભગવતસિંહજીની જેમ ખેડૂતો ઉપર ખૂબ જ પ્રેમ હતો, ભગવતસિંહજીતો ખેડૂતોને સોનાના ઝાડવા કહેતા હતા. એવા વહાલા ખેડૂતોની સુખાકારી માટે ભોજરાજસિંહજીએ ગરીબ ખેડૂતોને બળદ ખરીદવા સહાય આપી હતી. એક હજાર નવા કૂવા ગળાવવા ખેડૂતોને માટે રૂા.૨,૦૦,૦૦૦ની મદદ, રૂા.૨,૦૦,૦૦૦નું વ્યાજ મુક્ત ધિરાણ આપવાનું ઠરાવ્યુ હતું. અનાજનું ભાવનિયમન બાંધી ખેડૂતોને ફાયદો અપાવ્યો. ઉપરાંત સસ્તા વ્યાજે લોન અને મફત અનાજ બિયારણ આપતા હતા.
પોતે ગોંડલમાં સંસ્કૃત પાઠશાળા પણ ખોલવા માંગતા હતા. ભાયાતો સાથે પણ સારા સંબંધો રાખવા માટે તે બધુ જ કરી છુટે તેવા હતા. પોતે ગાદીએ બેઠા ત્યારે પિતા ભગવતસિંહજી અને માતા નંદકુંવરબાના સ્મારક માટે રૂા.૫,૦૦,૦૦૦ અલગ મુકાવ્યા હતા, આ રકમમાંથી પછી નંદકુંવરબા હોસ્પિટલ બાંધવામાં આવી હતી.
ગોંડલ રાજયની વસતિ ઇ.સ.૧૮૮૧માં ૧૩૫,૬૦૪. ઇ.સ.૧૮૯૧માં ૧૬૧,૦૩૬.ઇ.સ.૧૯૦૧માં ૧૬૨,૮૫૯ ઇ.સ.૧૯૧૧માં ૧૬૧,૯૧૬. ઇ.સ.૧૯૨૧માં ૧૬૭,૦૭૧. ઇ.સ.૧૯૩૧માં ૨૦૫,૮૪૬ હતી અને ગોંડલ શહેરની વસતિ ઇ.સ.૧૮૮૧માં ૧૩,૫૨૩. ઇ.સ.૧૮૯૧માં ૧૫,૩૪૩.ઇ.સ.૧૯૦૧માં ૧૯,૫૯૨. ઇ.સ.૧૯૧૧માં ૧૫,૧૪૧. ઇ.સ.૧૯૨૧માં ૧૭,૪૧૮. ઇ.સ.૧૯૩૧માં ૨૪,૫૭૩. ઇ.સ.૧૯૪૧માં૩૦,૫૫૩.ઇ.સ.૧૯૫૧માં ૩૭,૦૪૬.ઇ.સ.૧૯૬૧માં ૪૫,૦૬૯ની હતી. ઇ.સ.૨૦૦૧માં ગોંડલ શહેરની વસતિ ૧૯૩,૫૨૨ની હતી ગોંડલ રાજ્યને રૂા.૮,૦૦,૦૦૦નું વાર્ષિક સાલિયાણુ મળતુ હતું.