ભાવનગરના ૨૪ માં શાસક તખ્તસિંહજીનું ઇ.સ.૧૮૯૬માં અવસાન થતા તેમના પુત્ર ભાવસિંહજી બીજા ગાદીએ આવ્યા. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યુ હતું. જેઓ આધુનિક પાશ્ચાત્ય શિક્ષણ પામેલા હોવાથી તેના પિતાના અધૂરા કાર્યોને આગળ વધારીને રાજ્ય આખાને પરિવર્તન કરી આધુનિક અને સુખ સગવડતા વાળુ રાજ્ય બનાવી દીધુ હતું. આથી તેને ઇતિહાસમાં ભાવનગર રાજ્યના આધુનિકરણના ઘડવૈયા તરીકે ડો.એસ.વી.જાની અને ડો. પી.જી. કોરાટે વર્ણવ્યા છે.
તેઓએ નીચે મુજબના સુધારાઓ અને પગલાઓ ભરી ભાવનગર રાજ્યને સૌરાષ્ટ્રના રાજ્યોમાં એક આદર્શ અને પ્રથમ પંક્તિનું રાજ્ય બનાવ્યુ હતું.
![]() |
મહારાજા ભાવસિંહજી ગોહિલ બીજા |
- (૧) સૌરાષ્ટ્રના દરેક રાજવીઓએ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે પગલા લીધા હતા અને દુષ્કાળ વખતે રાહત કાર્યો ખોલ્યા હતા. તેમજ તેઓએ દુકાળસંહિતા રચી, ગરીબખાના, કેટલકેમ્પ ખોલ્યા અને ૩૦ લાખની લોન લઇ રાહતકાર્યો ખોલ્યા. તેમાં ધોળાથી પોર્ટ આલ્બર્ટ વિક્ટર સુધીની રેલવે, નવા રસ્તાઓ અને નવા ૯૪ તળાવો બાંધ્યા.
- (૨) ભાવનગર રાજ્ય ત્રણ વખત પ્લેગનું ભોગ બન્યુ ત્યારે સારા એવા પગલા લઇ અંગ્રેજ સરકારની પ્રશંસા પ્રાપ્ત કરી હતી.
- (૩) કાઉન્સિલ પધ્ધતિના વહીવટની જગ્યાએ ફરીવાર દીવાન અને નાયબ દીવાનની પ્રથા ચાલુ કરી હતી.
- (૪) પ્રજાપ્રતિનિધિ સભાની રચના કરી પોતાની પ્રજાને લોકશાહીનો ખ્યાલ આપ્યો અને જાગૃત બનાવ્યા અને જે તાલીમ લોકોને પછી ખૂબ જ ઉપયોગી નીવડી. એ રીતે ભાવનગર રાજ્યે સૌપ્રથમ આવા લોકતંત્રાત્મક સુધારાનો સ્વાદ ચખાડચો.
- (૫) ખેડૂત સંકટ નિવારણ ફંડ ઉભુ કર્યુ. આ સિવાય ખેડૂતોની સ્થિતિ સુધારવા મોડેલ ફાર્મ, સહકારી મંડળીની રચના કરી હતી.
- (૬) સિંચાઇની સગવડતા વધારવા શિહોરનું રામધારીનુ તળાવ અને ભીમડાદનું મનહર તળાવ રૂા.૫,૦૦,000ના ખર્ચે બાંધ્યા.
- (૭) તા.૧-૪-૧૯૦૨ના રોજ ‘‘ભાવનગર દરબાર સેવિંગ્ઝ બેંક શરૂ કરી, પછી આઝાદી બાદ તેનું નામ બેંક ઓફ સૌરાષ્ટ્ર કરવામાં આવ્યુ છે.
- (૮) તેઓના કાળમાં ૧૪૧ કિ.મી.ની નવી રેલવે લાઇનો નંખાઇ હતી.
- (૯) ઇ.સ.૧૯૧૯માં કદાચ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂબંધી તેમણે ફરમાવી હતી.
- (૧૦) ઇ.સ.૧૯૧૮માં ગોપનાથ મેટરનીટી હોસ્પિટલનો પાયો નાંખ્યો અને નંદકુંવરબા અનાથાશ્રમ અને નંદકુંવરબા રાજપૂત કુમારિકા ઝનાના બોર્ડીંગ અને નંદકુંવરબા રાજપૂત વિદ્યાલય સ્થાપ્યા.
- (૧૧) તેઓના મહારાણી નંદકુંવરબાએ સ્ત્રીઓની સ્થિતિ સુધારવા ઘણા બધા પ્રયત્નો કર્યા હતા.
- (૧૨) તેમણે સ્ત્રી કેળવણીને ઉત્તેજન અને પડદાના રિવાજની નાબૂદી કરી હતી.
તેઓને અંગ્રેજ સરકારે ઇ.સ.૧૯૦૯માં ‘“મહારાજા’’નું બિરુદ અને ઇ.સ.૧૯૧૨માં. કે.સી.એસ.આઇ.નો ઇલ્કાબ અને ઇ.સ.૧૯૧૮માં તેર તોપનું માન મળતુ તે વધારીને ૧૫ તોપનું કરી આપવામાં આવ્યુ અને કર્નલનો માનદ હોદો તેમને આપવામાં આવ્યો હતો. જેઓના મહારાણી નંદકુંવરબાને પણ પછી સી.આઇ.અને કૈસર-એ હિંદનો ઇલ્કાબ મળ્યો હતો. ભાવસિંહજી બીજા તા.૧૭-૭-૧૯૧૯ના રોજ અવસાન પામ્યા.