સંયુકત રાષ્ટ્ર શિક્ષા, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સંગઠન (United Nations Educational, Scientific and Cultural Organisation- UNESCO) દ્વારા બહાર પાડવામાં આવતી સાંસ્કૃતિક વિરાસતોની સુચીનું લક્ષ્ય વિશ્વની મહત્વપૂર્ણ વિરાસતોનું સંરક્ષણ તથા તેના પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. ભારતમાં વિશ્વ વિરાસત યાદીમાં 43 સ્થળોનો સમાવેશ થાય છે. જેમાં -ગુજરાતના કુલ ચાર સ્થળોની પસંદગી કરવામાં આવેલી છે. જેમાં ચાંપાનેર (2004), રાણકીવાવ (2014), અમદાવાદ (2017) અને ધોળાવીરા (2021) સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૧. ચાંપાનેર (૨૦૦૪)
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં વર્ષ 2004માં સામેલ થનાર ગુજરાતનું પ્રથમ કેન્દ્ર છે. મૈત્રક શાસક શિલાદિત્યના પાંચમાના તામ્રલેખમાં ઉલ્લેખિત ગોધરા પંચમહાલ જિલ્લાનું વડું મથક છે. ઈ.સ. 647માં ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ચાંપાની યાદમાં ચાંપાનેર નગરની સ્થાપના કરી.
ઈ.સ. 1484માં મહમ્મદ બેગડાએ જયસિંહ (પતઈ રાવળ)ને હરાવી 'મુહમ્મદાબાદ' નામ આપ્યું. અહીં બેગડાએ નગીના મસ્જિદ સિવાય કેવડા મસ્જિદ, જુમા મસ્જિદ અને ખજૂરી મસ્જિદ પણ બનાવી. ચાંપાનેરના કિલ્લાનું નામ 'જહાંપનાહ' રાખવામાં આવ્યું. ચાંપાનેર નજીક બાવન શકિતપીઠમાંનું એક મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે. મધ્યકાળનાં ગુજરાતી સંગીતકાર બૈજુ બાવરાની જન્મભૂમિ ગણાય છે.
ગુજરાત સરકાર દ્વારા પ્રકૃતિ અને આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થાય તે માટે 'પંચમહોત્સવ'નું આયોજન કરવામાં આવે છે.
૨. રાણી ની વાવ (૨૦૧૪)
યુનેસ્કોએ વર્ષ 2014 માં 'વર્લ્ડ હેરીટેજ સાઈટ'માં સ્થાન આપ્યું હતું. ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ રાણકી વાવ (રાણી ની વાવ) નું નિર્માણ ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ ઈ.સ. 1063 માં તેમનાં પતિ ભીમદેવ પહેલાની યાદમાં સરસ્વતી નદીના કાંઠે બંધાવ્યું હતું. પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા ત્યારબાદ વર્ષ 1980 માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગએ તેનું ઉત્ખનન કર્યું.
રાણકી વાવ 7 માળની છે. જેની અંદર સુંદર કોતરણી કામ મળી આવ્યું છે જેની મુખ્ય વિષય વસ્તુ ભગવાન વિષ્ણુના દશાવતાર છે. રાણકી વાવને ઈન્ડિયન સેનેટેશન કોન્ફરન્સ, 2016 માં 'કલીનેસ્ટ આઈકોનીક પ્લેસ'નો દરજ્જો મળ્યો હતો. રાણકી વાવનો ઉલ્લેખ મેરૂતુંગ ઋષિના 'પ્રબોધ ચિંતામણી' નામના ગ્રંથમાં જોવા મળે છે.
વાવના કુલ 4 પ્રકાર છે :
- 1. નંદા (એકમુખી)
- 2. ભદ્રા (દ્વિમુખી)
- 3. જયા (ત્રિમુખી)
- 4. વિજયા (ચતુર્મુખી).
જેમાંથી રાણકી વાવ જયા પ્રકારની વાવ છે. રાણકીવાવ માં ભગવાન વિષ્ણુના 10 અવતાર સ્વરૂપે દર્શાવતા મંદિર આવેલુ છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડેલી રૂા. 100 ની ચલણી નોટની પાછળના ભાગમાં આ રાણકીવાવનો ફોટો છાપવામાં આવ્યો છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) એ માં આવેલી રાણકી વાવને A-કેટેગરીનો દરજ્જો આપ્યો.
રાણકી વાવની સાથે બિહારના નાલંદા સાઈટ અને રાજસ્થાનના કુંભલગઢ, ચિત્તોડગઢને પણ A-કેટેગરીનો દરજ્જો અપાયો હતો. તેનાથી આ સ્થળોએ વિવિધ સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ ગ્રાંટ મળે છે.
૩. ઐતિહાસિક શહેર, અમદાવાદ (૨૦૧૭)
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં વર્ષ 2017માં સામેલ થનાર ગુજરાતનું તૃતીય કેન્દ્ર છે. યુનેસ્કોની યાદીમાં સમાવેશ થનાર ભારતનું પ્રથમ શહેર અમદાવાદ બન્યું. અમદાવાદ શહેરની સ્થાપના ઈ.સ. 1411 માં સુલતાન અહમદશાહ દ્વારા કરવામાં આવી હતી. 600 થી વધુ વર્ષ જૂના અને હિંદુ-જૈન-ઇસ્લામિક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન અમદાવાદ શહેરના કોટ વિસ્તારની અંદરના જૂના અમદાવાદને આ સન્માન મળ્યું છે.
અમદાવાદને હેરિટેજ સીટીની યાદીમાં સ્થાન આપવાનો પ્રસ્તાવ આ વિસ્તારની અંદર આવેલા 26 સ્થળોને ધ્યાનમાં રાખીને મુકાયો હતો. પોલેન્ડના ક્રાકોવા શહેરમાં યુનેસ્કોની 41મી બેઠકમાં ઉપરોકત પ્રસ્તાવને મંજૂરી મળી. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં શહેર તરીકે સ્થાન પામનાર અમદાવાદ ભારતનું પ્રથમ અને એકમાત્ર અને એશિયા ખંડનું ત્રીજું શહેર છે.
૪. ધોળાવીરા (૨૦૨૧)
ધોળાવીરા એ વર્ષ 2021માં UNESCO ની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં પસંદગી પામનાર મોંહે-જો-દડો પછીનું બીજું હડપ્પીય સભ્યતાનું સ્થળ અને ભારતનું પ્રથમ હડપ્પીય સભ્યતાનું સ્થળ છે. ધોળવીરા ગુજરાતમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતું હડપ્પીયન સ્થળ છે.ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં લુણી નદીને કિનારે આવેલું છે.
ધોળાવીરાનું ઉત્ખનન સૌ પ્રથમ ઈ.સ. 1967-68માં જગતપતિ જોશી (જે. પી. જોશી) એ કર્યું ત્યારબાદ ઈ.સ. 1990-91 માં ફરીથી ડો. આર. એસ. બિસ્ટ દ્વારા ત્યાં ઉત્ખનન કરવામાં આવ્યું જે દરમિયાન અહીંથી કબરો મળી આવી છે. ત્યાંના સ્થાનિક લોકો ધોળાવીરાને 'કોટડા' તરીકે ઓળખાવે છે. નગરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
- 1. સિટાડેલ (મુખ્ય મહેલ કે જેનું ખૂબ જ મજબૂત કિલ્લાથી રક્ષણ કરવામાં આવ્યું છે.)
- 2. મધ્ય નગર
- 3. નીચલું નગર
ધોળાવીરાનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. ધોળાવીરા પણ હડપ્પીય સંસ્કૃતિના અન્ય નગરોની જેમ સમાંતરભુજ ચતુષ્કોણ આકાર ધરાવે છે. ધોળાવીરાના મહેલના ચારેય દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે ક્યાંય જોવા મળતું નથી. ધોળાવીરાના શંકુ આકારના સુશોભિત સ્તંભો એ સ્થાપત્યકલાના વિશિષ્ટ નમૂના છે.
ધોળાવીરામાંથી મળી આવેલું 10 અક્ષરનું સાઈનબોર્ડ વિશ્વનું સૌથી જૂનું સાઈનબોર્ડ માનવામાં આવે છે જેની ઉપર સિંધુ લિપીમાં અક્ષરોને લખવામાં આવેલા છે.
આ નગરમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનું તળાવ (રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ), કૃત્રિમ ડેમ, ન્હાવાનો મોટો હોજ, વાવ તેમજ વપરાયેલા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ જોવા મળે છે. અહીં મહેલમાં એક મોટો ટાંકો છે જેમાં ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા પણ જોવા મળે છે. આ ઉપરાંત પથ્થર કાપેલા જળાશયો પણ મળી આવ્યા છે.
ધોળાવીરામાં વ્યવસ્થિત કાટખૂણે કાપતા રસ્તાઓ અને ગટરવ્યવસ્થાનું સુદ્રઢ આયોજન જોવા મળે છે. અહીંથી રમત-ગમતના વિશાળ મેદાનો પણ મળી આવ્યા છે.વિશ્વના સૌથી જૂના એમ્ફી થિયેટરોના અવશેષો પણ અહીંથી મળી આવ્યા છે. કેન્દ્રીય બજેટ 2020-21માં કરવામાં આવેલી જાહેરાત મુજબ ભારતના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ધોળાવીરા ખાતે પુરાતત્વીય મ્યુઝિયમ વિકસાવવામાં આવશે.