ચોલોનો પ્રાચીનતમ ઉલ્લેખ અશોકના શિલાલેખમાંથી મળે છે. 9મી સદીના મધ્યમાં વિજયપાલના નેતૃત્ત્વમાં ચોલોનું પુનરુત્થાન થયું. સંભવિત રીતે તેઓ પોતાના શરૂઆતના સમયમાં પલ્લવોના સામંત હતા. વિજયપાલે પાંડ્યોની નિર્બળ શક્તિનો લાભ ઉઠાવીને તાંજોર પર અધિકાર કરી લીધો. ત્યાં તેમણે દુર્ગાદેવીના મંદિરનું નિર્માણ કરાવ્યું. વિજયપાલના આદિત્ય તથા પરાન્તક ઉત્તરાધિકારીઓએ પલ્લવો તથા પાંડયોની નબળી પડતી જતી શક્તિનો લાભ ઉઠાવી દક્ષિણ ભારતના મોટા ભાગ પર અધિકાર કરી લીધો.
આદિત્ય પ્રથમ એ કાવેરી નદીના બન્ને કિનારે શિવ મંદિરો બનાવ્યાં. તેણે પોતાના પુત્ર પરાન્તકનાં લગ્ન ચેર રાજકુમારી સાથે કર્યાં. ચોલ સામ્રાજ્યનો વાસ્તવિક સંસ્થાપક પરાન્તક રાજાનો પુત્ર અરિમોલિવર્મન હતો. અરિમોલિવર્મન એ રાજારાજ પ્રથમ (ઇ.સ. 985 - 1014) ની ઉપાધિ ધારણ કરી હતી. તેણે ચેર, પાંડયો, વેંગીના પૂર્વી ચાલુક્ય, કલિંગ, લક્ષદ્વિપ અને માલદિવ પર વિજય મેળવી નૌકાસેનાનું ગઠન કર્યુ.
રાજારાજ પ્રથમ શિવનો અનન્ય ભક્ત હતો. તેણે તંજાવુરમાં બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યુ, જેને રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. તેણે જાવાના રાજાને પણ બૌદ્ધ વિહારના નિર્માણમાં સહાયતા કરી. રાજારાજ પહેલાનો પુત્ર રાજેન્દ્ર પ્રથમ ત્યારબાદ શાસક બન્યો. તેણે સંપૂર્ણ શ્રીલંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને ચેર (કેરલ) અને પાંડયોના વિદ્રોહનું દમન કર્યું. તેણે નૌકાસેનાની મદદથી મલાયા તથા સુમાત્રા પર પણ વિજય મેળવ્યો.
રાજાધિરાજે વેંગીના ચાલુક્ય શાસકને પરાજીત કર્યા. કોમ્પમના યુદ્ધમાં રાજાધિરાજ માર્યા ગયા, પરંતુ તેના ભાઇ રાજેન્દ્ર બીજાએ સોમેશ્વરની સેનાને હરાવીને યુદ્ધ ક્ષેત્રમાં જ પોતાનો રાજ્યાભિષેક કર્યો. ચોલવંશનો અંતિમ અને મહત્ત્વપૂર્ણ શાસક કુલોત્તુંગ પ્રથમ હતો. તેણે ચોલ તથા પૂર્વી ચાલુક્યને એક કર્યા. તેના સમયે શ્રીલંકા ચોલોના અધિકારક્ષેત્રમાંથી બહાર થઇ ગયું.
તેને પાંડ્યો તથા ચેરોના વિરોધનો પણ સામનો કરવો પડયો. હોયસળોના આક્રમણને પરિણામે ગંગાવાડી પ્રાંત એના હાથમાંથી નીકળી ગયો. તેણે પોતાના શાસનના 16માં તથા 48 માં વર્ષે ભૂમિસર્વેક્ષણ કરાવ્યું. આ કુલોત્તુંગ શિવભક્ત હોવાછતાં તેણે નેત્રપટ્ટમમાં બૌદ્ધ મંદિરોને પણ એક સમાન મહત્ત્વ આપ્યું. રાજારાજ બીજો, રાજાધિરાજ બીજો, કુલોત્તુંગ બીજો, રાજેન્દ્ર ત્રીજો અને રાજારાજ ત્રીજો વગેરે શાસકો અહીં થઈ ગયા.
કેન્દ્રિય વહીવટીતંત્ર
ચોલ વહીવટીતંત્રના કેન્દ્રમાં રાજા મુખ્ય તથા સામાન્ય અને સર્વોપરી સત્તા ધરાવતો હતો. તે રાજ્યનો વહીવટ ચલાવવા માટે મંત્રીઓ અને વિભાગીય વડાઓની સલાહ અવશ્ય લેતો. રાજાના વહીવટી સહાય માટે અધિકારીઓની નિયુક્તિઓ કરવામાં આવતી. રાજાનો ઉત્તરાધિકારી યુવરાજ' કહેવાતો અને તે રાજાને શાસનમાં સહાયરૂપ બનતો. ચોલ શાસનમાં વારસા -વિગ્રહ જોવા મળતો ન હતો.
ચોલ રાજાઓએ રાજ્યના રક્ષણ માટે ગજદળ, પાયદળ, હયદળ એમ મુખ્ય ત્રણ લશ્કરી વિભાગો રાખ્યા હતા. આ ઉપરાંત મજબૂત નૌકાસૈન્ય પણ હતું. સૈનિકોની છાવણી ‘કણમ' નામે ઓળખવામાં આવતી.
પ્રાંતીય વહીવટી તંત્ર
ચોલ રાજ્યે તેના વ્યવસ્થિત વહીવટી સંચાલન માટે રાજ્યના મંડલમ્ (પ્રાંત) નામના ભાગ બનાવ્યા હતા. મંડલમના ઉપ વિભાગો પણ હતા. તેના એકમ વલનાડુ, નાડુ અને ગ્રામ તરીકે ઓળખાતા. મંડલમના વડા તરીકે અધિકારીની નિયુક્તિ થતી. મંડલમ્ વડો રાજાને જવાબદાર રહી પોતાનાં કાર્ય કરતો. તેનાં કાર્યોમાં અન્ય અધિકારીઓ પણ સહાયરૂપ થતા. ચોલ વહીવટની વિશેષતા તેની સ્વાયત સંસ્થાઓ હતી. રાજ્યનાં પ્રત્યેક મંડલમ્ લોકોની બનેલી પ્રથમ સભા હતી.
પ્રત્યેક નાડુમાં ‘નાટર' નામે સભા હતી, જે સ્થાનિક લોકોની બનેલી હતી.
આર્થિક જીવન
ચોલ સામ્રાજ્યમાં આર્થિક જીવનનો આધાર ખેતી હતો. મોટાભાગની વસ્તી તેના પર નિર્ભર રહેતી હતી. ખેતીના વિકાસ માટે સિંચાઇવ્યવસ્થા હતી. રાજ્યની આવકનું મુખ્ય સાધન ભૂમિકર એટલે કે જમીન-મહેસૂલ હતું. આ કર જમીનની ઉપજના છઠ્ઠા ભાગ જેટલો લેવાતો. આ ઉપરાંત મીઠાકર, સિંચાઇવેરો, બંદરો, નાકા પરના વેરાઓ (ટોલ-ટેક્સ), ખનીજ વેરો વગેરે આવકનાં મુખ્ય સાધન હતાં.
આ ઉપરાંત અન્ય રાજાઓ પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવતી. ચોલ સામ્રાજ્યના આર્થિક વિકાસનો આધાર આંતરિક અને બાહ્ય વ્યાપાર હતો. કાપડઉધોગ, સોનીકામ, માટીઉધોગ વગેરે રાજ્યની આંતરિક આર્થિક-વ્યવસ્થાના આધારો હતા. જ્યારે, બંદર મારફતે બાહ્ય વ્યાપાર થતો. ચોલ સામ્રાજ્યનો મુખ્યત્વે અગ્નિએશિયા, રોમ તેમજ યુરોપના દેશો સાથે બાહ્ય વ્યાપાર થતો.
આ વ્યાપારમાં મદુરાઇ, કોચી, થિરૂવનંતપૂરમ (ત્રિવેન્દ્રમ), તાંજાવુર (તાંજોર) વગેરે બંદરો વ્યાપારી મથકો તરીકે જાણીતાં હતાં. આ બંદરોમાંથી અત્તરો, તેજાના, સુતરાઉ કાપડ, કાચ, દારૂ, હાથીદાંત, ઝવેરાત, હીરા, મોતી, સોનું, ચાંદી તેમજ અન્ય ધાતુઓ વગેરેની આયાત-નિકાસ થતી.
સાંસ્કૃતિક જીવન
ચોલ સામ્રાજ્યમાં તમિલ ભાષાનો સુવર્ણયુગ હતો. તમિલ સાહિત્યમાં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયનાં ભક્તિકાવ્યોનો સવિશેષ સંગ્રહ થયો. અહીં સંસ્કૃત સાહિત્યનો પણ ભારે વિકાસ થયો હોવાથી સંસ્કૃત વિશ્વવિધાલય (યુનિવર્સિટી)ની સ્થાપના કરવામાં આવી હતી. તમિલ સાહિત્યને ઉત્તેજન મળતાં ચોલ સમયમાં સંસ્કૃત મહાકાવ્યો, પુરાણો, તત્ત્વજ્ઞાનની રચનાઓ, વ્યાકરણ- ગ્રંથો વગેરેનાં તમિલ ભાષામાં અનુવાદ થયા.
ચોલ શાસનકાળમાં સર્જાયેલ સંસ્કૃત સાહિત્યની કૃતિઓમાં પરાન્તક પ્રથમના સમયનું વેંકટ માધવ કૃત ઋગ્વેદ પરનું ભાષ્ય તથા રાજારાજ બીજાના સમયમાં કેશવસ્વામી નામના વિદ્વાને ‘નાના-ધોર્ણવ સંક્ષેપ' નામે કોષનું સર્જન કરવામાં આવ્યું હતું.
ચોલ સ્થાપત્ય
ચોલ રાજાએ પલ્લવ શૈલીમાં મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તત્કાલીન દ્રવિડ સ્થાપત્યશૈલી પોતાની ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચી હતી. આ સમયમાં શ્રી નિવાસનલ્લુર (જિ. તિરુચિલ્લાપલ્લી) કોરંગનાથનું મંદિર તેમજ પુટ્ટક્કોટ્ટુઈ વગેરે મંદિરોનું નિર્માણ થયું. આ મંદિરોમાં પલ્લવ શૈલીનાં મંદિરોનું અનુકરણ દ્રશ્યમાન થાય છે. 10મી સદીના પ્રારંભથી મોટા અને વધુ માળવાળાં અને ગોપુરયુક્ત મંદિરોની રચના થવા લાગી.
ચોલશૈલીનાં મંદિરોમાં તાંજોરખાતે મહાન રાજ રાજા પ્રથમે બંધાવેલું રાજરાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર સૌથી વધુ ભવ્ય અને આકર્ષિત હતું. રાજેન્દ્ર પહેલાએ બંધાવેલાં ઘણાં મંદિરો પણ નોંધપાત્ર છે. તાંજોરનું રાજરાજેશ્વરનું મહાન શિવમંદિર ચોલયુગના મહાન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. ચોલ રાજાઓએ બંધાવેલા તાંજોર અને ગંગૈકોન્ડ ચોલપુરમાં બૃહદેશ્વરની દીવાલો ઉપર અસંખ્ય શિલ્પો કંડારવામાં આવ્યાં છે.
આ ઉપરાંત, શિવના અનેક અવતારો, રામ-સીતાની તેમજ કાલિનાગના મસ્તક પર નૃત્ય કરતા બાળકૃષ્ણની અદભુત મૂર્તિઓ છે. ચોલ સામ્રાજ્યમાં 10મી સદી દરમિયાન ધાતુશિલ્પોનો પણ વિકાસ થયો હતો, તેમાં મુખ્યત્વે તાંબાનાં કે કાંસાનાં શિલ્પો જોવા મળે છે.
11મી-12મી સદીથી નટરાજની ધાતુપ્રતિમાઓની રચના વિશેષ પ્રચલિત બની હતી. એ પૈકી તિરુવલંગાડું (જિ.ચિત્તુર)માંથી પ્રાપ્ત નટરાજની કાંસાની મૂર્તિ ભારતીય ધાતુમૂર્તિકલા-નિર્માણના ઉત્કૃષ્ટ નમૂનારૂપ છે. આ ઉપરાંત મદ્રાસ (ચેન્નઈ)ના મ્યુઝિયમમાં સંગૃહીત શ્રીરામની ધાતુની મૂર્તિ પણ ઉત્તમ છે.
ચોલ સામ્રાજ્યમાં ખાસ કરીને ભીંતચિત્રોનું પણ વિશેષ મહત્ત્વ જોવા મળે છે. જેમાં તિરુમયમ અને મમંદુરની ગુફાઓ, કાંચીનાં કૈલાસનાથ અને વૈકુંઠ પેરૂમલનાં મંદિરો મુખ્ય છે. આવાં પનમલાઈના તલગિરિશ્વર મંદિરનાં ખંડિત ભીંતચિત્રો પલ્લવ શૈલીનાં છે. આ ઉપરાંત શૈવ વિષયોને લગતા ચિત્રોના નમુનાઓ અદ્દભુત છે. તેમાં પીળા, લાલ, કાળા, સફેદ વગેરે રંગોનો ઉપયોગ થયેલો જણાય છે.
આમ, ચોલસામ્રાજ્યમાં સ્થાપત્ય, કલા, ધાતુશિલ્પ અને ચિત્રકલાનો સમન્વય થયો. જેને દક્ષિણ ભારતના ઇતિહાસનું એક નોંધપાત્ર પ્રદાન ગણાવી શકાય.